વડોદરાના ડેસરમાં લોહીના સંબંધોને કલંકિત કરતી શર્મજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કળિયુગી પિતાએ પોતાની જ સગીર વયની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે DYSP કે. કે. ઠાકુરે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, સગીર પુત્રીએ હિંમત ભેગી કરીને નરાધમ પિતાની આ કાળી કરતૂત વિશે માતાને આપવીતી જણાવી હતી. વાત સાંભળીને હેબતાઈ ગયેલી માતાએ તાત્કાલિક 29 જૂનના રોજ ડેસર પોલીસ સ્ટેશનમાં નરાધમ પતિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે POCSO સહિતની કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે કાર્યવાહી કરીને પિતાને દબોચ્યો

માતાની ફરિયાદ મળતાની સાથે જ ડેસર પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમ પિતાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી. પવિત્ર ગણાતા પિતા-પુત્રીના સંબંધો પર કાળી શાહી દોળનારી આ હીન ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને સોશિયલ મીડિયામાં લોકો દ્વારા આ નરાધમ સામે ભારે ફિટકારની વર્ષા વરસી રહી છે અને તેને કડક સજા થાય તેવી માગ ઉઠી રહી છે.

પોલીસ દ્વારા સઘન પૂછપરછ શરૂ

આરોપી પિતાની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને અન્ય કોઈ પુરાવા મેળવવા માટે પોલીસે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી હતી, જેને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી પિતાના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ડેસર પોલીસ આરોપીના રિમાન્ડ દરમિયાન તેની સઘન પૂછપરછ કરી રહી છે. આ નરાધમ આચરેલા પાપ પાછળ અન્ય કોઈ વિગતો છે કે કેમ અને સગીરાને પૂરતો ન્યાય મળે તે માટે પોલીસ તમામ કાનૂની અને મેડિકલ પુરાવાઓ એકત્ર કરવાની દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો