જામ ખંભાળિયા શહેરના વોર્ડ નંબર-2 માં આવેલ યોગેશ્વર નગર વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા સ્થાનિક મહિલાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વિસ્તારમાં બોર આધારિત પાણીના સ્ત્રોત સુકાઈ જતાં પાણીની ભારે તંગી ઊભી થઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને 10 થી 12 દિવસે માંડ પીવાનું પાણી મળે છે, અને અઠવાડિયામાં માત્ર એક વાર આવતા ટેન્કરથી તમામ ઘરો સુધી પૂરતું પાણી પહોંચી શકતું નથી. આ સમસ્યાથી કંટાળીને મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને ચીફ ઓફિસરનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી.
ટેન્કરના બદલે પાઈપલાઈનથી નિયમિત પાણી આપવા માગ
મહિલાઓએ નગરપાલિકા તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે ટેન્કરો દ્વારા અપાતી હંગામી વ્યવસ્થા બંધ કરીને પાઈપલાઈન મારફતે જ નિયમિત રીતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે. મહિલાઓની આક્રમક રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. પાલિકા દ્વારા સ્થાનિકોને બાંહેધરી આપવામાં આવી છે કે આવતા બુધવારથી વિસ્તારમાં એકાંતરે પાણીનું વિતરણ શરૂ કરવામાં આવશે અને તમામ ઘરો સુધી સરખું પાણી પહોંચે તે માટે ખાસ વ્યક્તિની નિમણૂંક કરવામાં આવશે.

