જંબુસર શહેરમાં નગરપાલિકાની બેદરકારીને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ચોમાસાના પાણીના નિકાલ માટે બનાવાયેલી વરસાદી ગટરો અને કાંસ પર યોગ્ય સ્લેબ કે ઢાંકણ મૂકવામાં આવ્યા નથી.

જંબુસર નગરપાલિકાની બેદરકારી

તાજેતરમાં ગુજરાત શો રૂમ નજીકથી પસાર થઈ રહેલી એક ફોરવીલ કાર રસ્તા પર ખુલ્લી છોડાયેલી વરસાદી ગટરમાં અચાનક ખાબકી હતી. અકસ્માત સર્જાતાં જ આસપાસના સ્થાનિક લોકો તુરંત જ મદદે દોડી આવ્યા હતા અને કારચાલકને સલામત રીતે બહાર કાઢ્યો હતો.જંબુસર શહેરમાં રસ્તા પરની ખુલ્લી ગટરોમાં વાહન ખાબકના કિસ્સાઓ હવે રોજિંદા બની ગયા છે. છેલ્લા માત્ર 6 જ દિવસના ગાળામાં આ 5મી ઘટના સામે આવી છે જ્યાં કોઈ વાહન ખુલ્લી ગટરમાં ખાબક્યું હોય.

કાર ખુલ્લી ગટરમાં ખાબકી 

પાલિકા દ્વારા ગટરની સફાઈ કે કામગીરી બાદ ત્યાં કોઈ બેરિકેડ કે ભયજનક સાઇનબોર્ડ મૂકવામાં આવતા નથી. વરસાદના પાણી ભરાવાના કારણે ખાડા અને ગટર દેખાતા નથી. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પાલિકા તંત્ર કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય તેવા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? સમગ્ર જંબુસર નગરમાં જ્યાં જુઓ ત્યાં આ જ પરિસ્થિતિ હોવાથી નગરજનો લાચાર બન્યા છે અને તમામ ખુલ્લી ગટરો પર તાત્કાલિક મજબૂત સ્લેબ ઢાંકવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Surat અને ડીસામાં આરોગ્ય વિભાગના ધડાધડ દરોડા: 35 લાખનો શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત