દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં તીવ્ર તાવ, ઉલટી અને મગજના સોજા (એન્સેફાલીટીસ) જેવા ગંભીર લક્ષણો ધરાવતા ત્રણ બાળ દર્દીઓને લાવવામાં આવ્યા છે. આ બાળકોમાં જામનગર ગ્રામ્ય પંથકનો એક 11 મહિનાનો માસૂમ બાળક અને એક 2 વર્ષની બાળકી સામેલ છે, જ્યારે ત્રીજું બાળક પાડોશી જિલ્લા દેવભૂમિ દ્વારકાનું છે જેની ઉંમર 6 વર્ષની છે.

ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ હોવાની પ્રબળ આશંકા

બાળકોમાં જોવા મળેલા ક્લિનિકલ લક્ષણો સીધા ચાંદીપુરા વાયરસ તરફ ઈશારો કરતા હોવાથી હોસ્પિટલના બાળરોગ વિભાગ ના વડા અને તબીબોની એક વિશેષ પેનલ દ્વારા તાકીદે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જી.જી. હોસ્પિટલના તબીબી અધીક્ષકે જણાવ્યું છે કે, ત્રણેય બાળકોની હાલત હાલ ગંભીર છે અને તેમને ઓક્સિજન તથા સપોર્ટિવ કેર પર રાખવામાં આવ્યા છે. વાયરસની સત્તાવાર પુષ્ટિ કરવા માટે જરૂરી સેમ્પલો એકત્રિત કરીને ખાસ પ્રક્રિયા હેઠળ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 24 થી 48 કલાકમાં આવવાની સંભાવના છે.

ત્રણેય બાળકોની હાલત હાલ ગંભીર

બીજી તરફ, આ કેસો સામે આવતા જ જામનગર અને દ્વારકા જિલ્લાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જે ગ્રામ્ય વિસ્તારોમાંથી આ બાળકો આવ્યા છે ત્યાં આરોગ્ય વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા તુરંત મુલાકાત લેવામાં આવી છે. આ વાયરસ મુખ્યત્વે કાચા મકાનોની તિરાડોમાં રહેતી 'સેન્ડફ્લાય' કરડવાથી બાળકોમાં ફેલાતો હોવાથી, પ્રભાવિત ગામોમાં માખીઓનો નાશ કરવા માટે મેલાથિયોન પાવડરનું ડસ્ટિંગ (છંટકાવ) કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે. આરોગ્ય અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે ઘરમાં સ્વચ્છતા રાખે, બાળકોને આખી બાયના કપડાં પહેરાવે અને જો કોઈ બાળકને અચાનક તીવ્ર તાવ સાથે આંચકી (ખેંચ) આવે તો સમય બગાડ્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્ર પર પહોંચે.

આ પણ વાંચો: Ahmedabad: જૈશ-એ-મોહમ્મદના ખતરનાક આતંકી મોડ્યુલ નાકામ, કાશ્મીરથી વડોદરા સુધી ફેલાયેલા તારનો ATSએ કર્યો પર્દાફાશ