જામનગર શહેરમાં બનાવટી અને ભેળસેળયુક્ત દૂધના વેચાણ સામે વહીવટી તંત્ર અને ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. જામનગર ફૂડ વિભાગની FSO ની ટીમ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સઘન ચેકિંગ કરીને દૂધના નમૂના લેવામાં આવ્યા છે. અગાઉ ગત અઠવાડિયા દરમિયાન કાલાવડ પંથકના હરીપર મેવાસામાંથી SOG દ્વારા 486 લીટર બનાવટી દૂધ ઝડપી પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ તંત્ર દ્વારા આ કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે.

51 નમૂના લેવાયા, 7 શંકાસ્પદ સેમ્પલ વડોદરા લેબમાં મોકલાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના દૂધના વિક્રેતાઓ તેમજ બહારગામથી આવતા દૂધના ધંધાર્થીઓના વાહનોને સ્થળ પર રોકીને તપાસ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 51 દૂધના નમૂના લઈને જામનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી શંકાસ્પદ જણાતા 7 દૂધના સેમ્પલ વધુ ચકાસણી માટે વડોદરાની લેબમાં મોકલવામાં આવ્યા છે.

170 લીટર દૂધનો નાશ, હોટલ-ધાબા પર ચેકિંગ

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 170 લીટર દૂધનો પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાઈવે પર આવેલા રેસ્ટોરન્ટ, હોટલ અને ધાબાઓ પર પણ દૂધ અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની આ કડક ઝુંબેશથી ભેળસેળિયાઓ અને બનાવટી દૂધનો કારોબાર ચલાવતા શખ્સોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો