જામનગર શહેરમાં ખાદ્યપદાર્થોમાં બેદરકારી અને લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રણજીતસાગર રોડ પર આવેલા ગ્રીન સીટી વિસ્તારમાં સ્થિત જાણીતા 'પાપા લુઇઝ પીઝા' (Papa Louis Pizza) પાર્લરમાંથી એક ગ્રાહકને પીઝામાંથી જીવાત મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રાહકની રજૂઆત બાદ ફૂડ વિભાગની ટીમ તપાસ અર્થે પહોંચી

મળતી વિગતો અનુસાર, રણજીતસાગર રોડ પરના ગ્રીન સીટી વિસ્તારમાં આવેલા પાપા લુઇઝ પીઝા પાર્લરમાં એક ગ્રાહકે પીઝા ઓર્ડર કર્યા હતા, જેમાંથી જીવાત નીકળી હતી. ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને આ મામલે તાત્કાલિક ફૂડ વિભાગને જાણ કરી હતી. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થયા હોવાના આક્ષેપ અને ગ્રાહકની ફરિયાદ બાદ જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ પીઝા પાર્લર ખાતે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

ફૂડ વિભાગે માત્ર ₹3,000નો દંડ લઈ સંતોષ માન્યો હોવાની ચર્ચા

ફૂડ વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કર્યા બાદ આ મામલે પીઝા પાર્લરના સંચાલકોને સ્વચ્છતા જાળવવા અંગેની નોટિસ ફટકારવામાં આવી હતી અને ₹3,000ની પેનલ્ટી (દંડ) વસૂલ કરવામાં આવી હતી. જોકે, ખાદ્યપદાર્થમાંથી જીવાત નીકળવા જેવી અત્યંત ગંભીર બેદરકારી સામે આવી હોવા છતાં ફૂડ વિભાગે કોઈ કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર ₹3,000નો દંડ લઈને સંતોષ માન્યો હોવાથી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: સરદારનગર દારૂ પાર્ટી મામલે મકાન માલિક આવ્યા સામે; કહ્યું- વાસ્તુ પૂજનમાં મુંબઈથી મહેમાનો આવ્યા હતા, દારૂ કોણ લાવ્યું તેની જાણ નથી