દેશભરમાં NEET પેપર લીકનો મામલો હજુ શાંત નથી થયો, ત્યાં ગુજરાતના જામનગરમાંથી વધુ એક વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. આયુર્વેદ યુનિવર્સિટી અંતર્ગત BAMS (બેચલર ઓફ આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરી) ના ત્રીજા વર્ષનું 'શલ્ય તંત્ર' વિષયનું પ્રશ્નપત્ર લીક થઈ ગયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પરીક્ષાના પેપરના 12માંથી 11 પ્રશ્નો અગાઉથી જ વોટ્સએપ પર ધૂમ મચાવી રહ્યા હતા.

વિધાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ થઈ જાણ

વિદ્યાર્થીઓને આ ગંભીર કૌભાંડની જાણ પરીક્ષા આપ્યા બાદ થઈ હતી, જેના કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. ઘટના સામે આવતા જ યુનિવર્સિટી તંત્ર દ્વારા કાગળ પર તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ અગાઉના અનુભવો જોતાં વિદ્યાર્થીઓ તંત્રની આ તપાસને માત્ર તકલાદી અને લાચાર માની રહ્યા છે.

શિક્ષણ જગતમાં ફેલાયો ભારે આક્રોશ

વારંવાર સામે આવતી પેપર લીક થવાની ઘટનાઓએ યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ અને સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. ભવિષ્યના તબીબો તૈયાર કરતા આવા મહત્વના અભ્યાસક્રમોમાં બેદરકારી સામે આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ પણ વાંચો : Surat News : BRTS માં બેસતા મુસાફરો સાવધાન, પર્વત પાટીયા ખાતે ચાલુ બસે ત્રણ મુસાફરો પટકાયા