જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામે દૂધના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું મોટું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ રેન્જ આઈજીની માર્ગદર્શન હેઠળની પોલીસ ટીમ અને જામનગર ફૂડ સેફ્ટી વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર આર.જે. કોટડિયાની સંયુક્ત ટીમે હરીપર ગામમાં જુદી જુદી જગ્યાએ વિશિષ્ટ દરોડા પાડ્યા હતા.

હરીપર (મેવાસા)માં નકલી દૂધનું કૌભાંડ ખુલ્લું પડ્યું

તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે ગામમાં કેટલાક તત્વો વનસ્પતિ ઘી અને સ્કીમ મિલ્ક પાવડરનું મિશ્રણ કરીને બનાવટી તેમજ ભેળસેળયુક્ત દૂધ અને ઘી તૈયાર કરી બજારમાં વેચતા હતા. ટીમ દ્વારા લેવાયેલા પ્રાથમિક સેમ્પલિંગ અને સરવેલન્સમાં જ દૂધ નકલી હોવાનું સાબિત થયું હતું.લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં આ ગંભીર ખિલવાડને અટકાવવા પોલીસે ત્વરિત કડક પગલાં લીધા હતા. બજારમાં આ દૂધ-ઘી પહોંચે તે પહેલા જ ફૂડ સેફ્ટી વિભાગે 7,150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને સ્કીમ મિલ્ક પાવડરનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો હતો.

દરોડામાં 6 ડેરી માલિકો ઝડપાયા

હરીપર ગામના સ્થાનિક ધંધાર્થીઓ મેરૂભાઈ ભારાઈ, અરજણ હુણ, બધાભાઈ ચાવડા, મેરૂભાઈ વંશ, રાણાભાઈ ભારાઈ અને બોધાભાઈ વંશ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાવટી સામગ્રી જપ્ત કરી ડેરીના સ્થળોને સીલ કરવામાં આવ્યા છે અને નમૂનાઓ ફોરેન્સિક/લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા છે. આટલો મોટો જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને પાવડર/કેમિકલ ક્યાંથી લાવવામાં આવતા હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Himmatnagar: દુર્ગા ઓવરબ્રિજ પર ગર્ડર લોન્ચિંગનું કામ શરુ, દિવાળી પહેલા બ્રિજ શરૂ થવાની શક્યતા