જામનગર મહાનગરપાલિકાના ટેક્સ વિભાગમાંથી એક અત્યંત ચોંકાવનારૂં અને મોટું આર્થિક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મનપાના ટેક્સ વિભાગમાં કેટલાક મિલકત ધારકોની લેણાંની બાકી રકમ ઓનલાઇન સેટિંગ કરીને 'નીલ' (Zero) કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સત્તાવાળાઓની સમયસૂચકતાના કારણે ઓનલાઇન આશરે 1.5 લાખ જેટલા વેરાની રકમ ગાયબ કરી દેવાનું આ કૌભાંડ પકડાઈ ગયું હતું, જેને લઈને આખા તંત્રમાં હડકંપ મચી ગયો છે.
મ્યુનિસિપલ કમિશનરની દાખલારૂપ અને કડક કાર્યવાહી
આ ગંભીર કૌભાંડ સામે આવતા જ જામનગર મનપાના મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા દ્વારા ત્વરિત અને દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાપરવાહી અને ભ્રષ્ટાચારને ડામવા માટે પ્રશાસન દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ કેસમાં સંડોવાયેલા 5 આઉટસોર્સ કર્મચારીઓ અને 1 કરાર આધારિત (કોન્ટ્રાક્ટ) કર્મચારી ને તાત્કાલિક ધોરણે નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે.
