દિવાળીના આનંદ અને રોશનીના પર્વ વચ્ચે જામનગર શહેરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. જામનગર શહેરના નંદનવન પાર્ક વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટ અને ભંગારના વાડામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. તહેવારના દિવસે જ અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના રહેણાક વિસ્તાર અને લોકોમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાઈ ગયો હતો.
ભંગારના વાડામાં આગ ફેલાતા આસપાસના લોકોમાં દોડધામ
પ્રાપ્ત વિગતો અનુસાર, નંદનવન પાર્ક વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં કોઈ કારણોસર આગ લાગી હતી. ભંગારનો જથ્થો હોવાને કારણે આગે ઝડપથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. આગ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ન જાય તે માટે સ્થાનિક લોકો પણ ચિંતામાં મુકાયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
