જામનગરના પ્રખ્યાત દરેડ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને આકરી કાર્યવાહી કરવામાં આવી છે. દરેડ ફેઝ-3 સહિતના વિવિધ લોકેશન્સ પર સતત 50 કલાકથી વધુ સમય સુધી ચાલેલી મેરેથોન તપાસ અને દરોડાના અંતે એસજીએસટીની ટીમે આ મસમોટા કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા પિતા-પુત્રની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓ દરેડની નામાંકિત 'માંડોવરા ટ્રેડિંગ કંપની'ના સંચાલકો હોવાનું સામે આવ્યું છે.


બ્રાસ ભંગારના નામે ચાલતું નેટવર્ક

જીએસટી વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જામનગરના પ્રખ્યાત બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા બ્રાસ ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ચોક્કસ ફરિયાદ વિભાગને મળી હતી. જેના આધારે આ ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હતું. પ્રાથમિક તપાસમાં જ આ પિતા-પુત્રની જોડીએ માત્ર કાગળ પર કંપનીઓ બતાવીને અને નકલી ટ્રાન્ઝેક્શન દ્વારા અધધ રૂ.23.08 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC - Input Tax Credit) મેળવી સરકારી તિજોરીને ચૂનો લગાવ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.

રાજકોટ-અમદાવાદની 22 ટીમો મેદાનમાં

આ કૌભાંડના તાર ગુજરાતના અન્ય શહેરો સાથે પણ જોડાયેલા હોવાથી, ઓપરેશનને ગુપ્ત અને વ્યાપક બનાવવા માટે રાજકોટ અને અમદાવાદ એસજીએસટી વિભાગની 22 જેટલી સ્પેશિયલ ટીમોએ સંયુક્ત રીતે જામનગરમાં ધામા નાખ્યા હતા. અધિકારીઓના મતે જે રીતે નકલી બિલિંગના દસ્તાવેજો મળી આવ્યા છે તે જોતાં આ આખું બોગસ બિલિંગ કૌભાંડ રૂ.100 કરોડથી પણ વધુની કિંમતનું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

કૌભાંડના અન્ય જોડાણોની તપાસ યથાવત

એસજીએસટી વિભાગ દ્વારા પકડાયેલા પિતા-પુત્રની હાલ કસ્ટડી મેળવીને સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ બોગસ બિલિંગ નેટવર્કમાં જામનગર અને રાજ્યના અન્ય કયા-કયા મોટા વેપારીઓ, સીએ (CA) કે વચેટીયાઓ સામેલ છે, તેમજ કઈ-કઈ નકલી ફર્મ બનાવીને નાણાં સગેવગે કરાયા છે તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. જીએસટી વિભાગની આ અત્યાર સુધીની સૌથી મોટી કાનૂની કાર્યવાહીથી જામનગરના બ્રાસ ઉદ્યોગ અને કરચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ અને વ્યાપક ખળભળાટ મચી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: