જામનગર શહેરમાં એક તરફ પીવાના પાણીની ભારે અછત સર્જાઈ છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા જોગર્સ પાર્ક નજીક અચાનક પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી ગઈ હતી. પાણીનું દબાણ એટલું વધારે હતું કે જોતજોતામાં રસ્તાઓ પર અડધા કિલોમીટરથી પણ વધુ અંતર સુધી પાણી ફરી વળ્યાં હતાં અને આખો માર્ગ જળબંબાકાર થઈ ગયો હતો.

જોગર્સ પાર્ક પાસે પાણીની લાઈન તૂટી

જામનગર મહાનગરપાલિકા દ્વારા જળાશયોમાં પાણીના તળિયા દેખાતાં અને તંગી ઊભી થતાં સમગ્ર શહેરમાં એકાંતરા (એક દિવસ છોડીને એક દિવસ) પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાગરિકો ટીપે-ટીપા પાણી માટે ઝૂરતા હોય તેવા સમયે, પોશ વિસ્તારમાં હજારો લીટર પાણી રસ્તા પર વહી જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે પરેશાન થઈ ગયા હતા. તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી અને નીતિ સામે લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.

રસ્તા પર અડધા કિલોમીટર સુધી પાણી

પાણીની લાઈન તૂટ્યાના કલાકો વિતી જવા છતાં મહાનગરપાલિકાનું વોટર વર્ક્સ વિભાગ નિદ્રાધીન હોય તેવો ઘાટ સર્જાયો હતો. સ્થાનિકોનો આરોપ છે કે સમયસર લાઈન બંધ કરીને રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી, જેના કારણે મોટો જળજથ્થો વેડફાઈ ગયો હતો. વાહનચાલકોને પણ રસ્તા પર ભરાયેલા પાણીના કારણે પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સ્થાનિકોએ વહેલી તકે લાઈનનું સમારકામ કરી પાણીનો વેડફાટ અટકાવવા કડક માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો