રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઈશ્વરિયા ગામ નજીક બોલેરો પીકઅપ વાહન પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આ વાહનમાં જૂનાગઢની લીલી પરિક્રમા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ સવાર હતા. અચાનક વાહનનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બોલેરો પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 15 શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી છે, જેમાંથી 6 શ્રદ્ધાળુઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકોની મદદ અને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતાં ચાર 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી તમામ 15 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
