રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જસદણ નજીક આવેલા માધવીપુર અને શિવરાજપુર ગામ વચ્ચે ફોરવીલ કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. પોતાના કામકાજ અર્થે જઈ રહેલા દંપતીને કાળ ભેટતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.
એક્ટિવા સવાર પતિ-પત્નીનું મોત: એકનું ઘટનાસ્થળે
મોઢુકા ગામથી જસદણ તરફ આવી રહેલા પતિ-પત્ની પોતાના એક્ટિવા બાઈક પર સવાર હતા. આ દરમિયાન માધવીપુર અને શિવરાજપુર ગામ વચ્ચે સામેથી આવતી પૂરઝડપે ફોરવીલ કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ સવાર પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમણે પણ દમ તોડી દીધો હતો.
