આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લાની ચર્ચાસ્પદ ગણાતી જસદણ વિધાનસભા બેઠક પર અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જસદણ બેઠક અંગે કોંગ્રેસ નેતા અવચરભાઈએ એક નિવેદન આપીને કુંવરજીભાઈ અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. અવચરભાઈએ દાવો કર્યો છે કે આગામી 2027ની ચૂંટણીમાં જસદણ બેઠક પર કોંગ્રેસની જીત થશે.
કુંવરજીભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા
કોંગ્રેસ નેતા અવચરભાઈએ પોતાના નિવેદનમાં કુંવરજીભાઈ પર સીધું નિશાન સાધતા જણાવ્યું હતું કે, "2027માં ભાજપને કંઈ કહેવું હોય તો એટલું કહેવું છે કે કોંગ્રેસ આવે છે. ભ્રષ્ટાચારના મુદ્દે કુંવરજીભાઈ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે જોરશોરથી મુદ્દાઓ ઉઠાવતા હતા, પરંતુ હવે ભાજપમાં જઈને તેઓ સાવ મૂંગા થઈ ગયા છે."
દીકરી ભાવનાબેનને ચૂંટણી લડાવી પરિણામ જોઈ લીધું
કુંવરજીભાઈના પરિવારના સભ્યોને ચૂંટણી લડાવવા મુદ્દે કટાક્ષ કરતા અવચરભાઈએ વધુમાં કહ્યું હતું કે, "કુંવરજીભાઈએ અગાઉ તેમની દીકરી ભાવનાબેનને ચૂંટણી લડાવીને અજમાવી જોયા છે અને તેનું પરિણામ પણ જોઈ લીધું છે. હવે તેઓ તેમના દીકરાને પણ ટિકિટ આપીને અજમાવી જોવે."
જસદણ બેઠક પર લોકો કંટાળી ગયા છે
જસદણ વિસ્તારની જનતાના મિજાજ અંગે વાત કરતા કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે, જસદણ વિધાનસભા બેઠક ઉપર હવે બધા જ લોકો કંટાળી ગયા છે. ચૂંટણીના મેદાનમાં ઉતરવાનો ખુલ્લો પડકાર ફેંકતા અવચરભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણીની વાત છે ત્યારે તેઓ સામે મેદાનમાં આવશે ત્યારે તેમને ભરી પીવામાં આવશે. કોંગ્રેસ નેતાના આ આક્રમક નિવેદન બાદ જસદણના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે.
આ પણ વાંચો:Ramrao Wadkute Passes Away: ભાજપના રાજ્યસભા સાંસદનું 72 વર્ષની વયે AIIMSમાં નિધન; છાતીમાં દુખાવા બાદ દાખલ કરાયા હતા