રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ્ય પંથકમાં રખડતા અને આક્રમક શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં જેતપુરના સ્ટેશન વાવડી અને ખજૂરી ગુંદાળા ગામના વાડી વિસ્તારમાંથી શ્વાનના હુમલાની અત્યંત હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે. ખેતરો અને વાડી વિસ્તારોમાં રહેતા શ્રમજીવીઓ તથા નાગરિકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. શ્વાનો દ્વારા અચાનક હુમલો કરવામાં આવવાની આ ઘટનાઓને કારણે સમગ્ર પંથકના ગ્રામજનો અને વાડીના માલિકોમાં ભારે ચિંતા અને ફફડાટ ફેલાઈ ગયો છે.
નાની બાળકીને હાથમાં ગંભીર ઈજા, 20થી વધુ ટાંકા આવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેશન વાવડી ગામે વાડી વિસ્તારમાં રમી રહેલી કે રહેતી એક નાની માસૂમ બાળકીને શ્વાને નિશાન બનાવી હતી. શ્વાને બાળકીના હાથના ભાગે જોરદાર બચકા ભરી લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ થયેલી આ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની ગંભીર ઈજાના કારણે 20થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. આ ઉપરાંત, આ જ પંથકમાં અન્ય બે લોકોને પણ શ્વાને બચકા ભરીને ઘાયલ કર્યા હતા.
