જેતપુર તાલુકાના થાણાગાલોર ગામની સીમમાંથી હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી કરૂણાંતિકા સામે આવી છે. ખેતરમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારના માત્ર 11 મહિનાના માસૂમ બાળકનું રમતાં રમતાં અચાનક ખુલ્લી પાણીની કુંડીમાં ખાબકી જતાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. બાળક નજર સમક્ષ ન દેખાતાં માતા-પિતાએ શોધખોળ હાથ ધરતાં કુંડીમાંથી માસૂમનો નિશ્ચેષ્ટ દેહ મળી આવ્યો હતો. 11 માસના બાળકના અકાળે અવસાનથી શ્રમિક પરિવારમાં આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માતા-પિતા મગફળી વીણતા હતા અને બની દુર્ઘટના
થાણાગાલોર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ખેતમજૂર પરિવાર મગફળી વીણવાની મજૂરી કરી રહ્યો હતો.પરિવારજનો ખેતરમાં કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમનો 11 મહિનાનો માસૂમ પુત્ર અરવીના ઇતનસિંગ નજીકમાં જ જમીન પર રમી રહ્યો હતો.રમતાં રમતાં અજાણતા બાળક ખેતરમાં પિયત અને ઢોર-ઢાંખર માટે બનાવેલી પાણીની ખુલ્લી કુંડી નજીક પહોંચી ગયો હતો અને અચાનક સંતુલન ગુમાવતાં કુંડીમાં પડી ગયો હતો.થોડીવાર પછી માતા-પિતાનું ધ્યાન બાળક તરફ જતાં તે જોવા મળ્યો ન હતો. ખેતરમાં શોધખોળ કરતાં બાળક પાણીની કુંડીમાં પડેલો મળી આવતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
