જૂનાગઢ શહેરના ખામધ્રોળ રોડ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમનસીબ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા એક ગામમાં જૂનું મકાન તોડ્યા બાદ ત્યાં ભંગાર એકઠો કરવાનું અને તોડવાનું કામ ચાલી રહ્યું હતું. આ ભંગારનું કામ રાખનારા એક વયોવૃદ્ધ શ્રમિક ત્યાં પોતાની રોજીરોટી માટે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો અને એક ઊંડા કૂવામાં સીધા ખાબક્યા હતા.

ભંગાર તોડતા સમયે વૃદ્ધ કૂવામાં પડતા મોત 

કૂવામાં અચાનક ખાબકેલા આ વૃદ્ધની ઓળખ 65 વર્ષીય કાસમભાઇ અલીભાઈ ઠેબા તરીકે થઈ છે. કૂવામાં પાણી હોવાના કારણે અને મોટી ઉંમર હોવાને લીધે કાસમભાઇ બહાર નીકળી શક્યા ન હતા અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના અન્ય શ્રમિકો અને સ્થાનિક રહીશો તાત્કાલિક કૂવા પાસે દોડી આવ્યા હતા. વૃદ્ધ કાસમભાઇના અકાળ અવસાનના સમાચાર મળતા જ તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે.

મકાન તોડ્યા બાદ ભંગારનું કામ રાખ્યું હતું વૃદ્ધે

આ ગંભીર દુર્ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક જૂનાગઢ ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ ઊંડા કૂવામાંથી વૃદ્ધ કાસમભાઇના મૃતદેહને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને કાયદેસરના PM અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને ઘટના પાછળના ચોક્કસ કારણોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો