જૂનાગઢ અને આસપાસના પ્રવાસન સ્થળો જેવા કે ગિરનાર, એશિયાટિક લાયનનું ઘર ગણાતું શાસણ ગીર અને સોમનાથ મંદિરની કનેક્ટિવિટી વૈશ્વિક સ્તરે મજબૂત કરવાના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. પોરબંદર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના તમામ રેવન્યુ, આર એન્ડ બી (R&B), અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ચાલતી યોજનાઓની પ્રગતિનો રિપોર્ટ કાર્ડ મેળવ્યો હતો.

મનસુખ માંડવિયા

વર્ષ 2027 સુધીમાં કેશોદ એરપોર્ટ પર ઉતરશે એરબસ

બેઠક દરમિયાન સૌથી મોટો એજન્ડા કેશોદ એરપોર્ટના રનવે વિસ્તરણ અને અપગ્રેડેશનનો હતો. ડૉ. માંડવિયાએ સ્પષ્ટ કર્યું કે, પ્રવાસીઓની વધતી સંખ્યા અને સ્થાનિક કીર્તિને ધ્યાનમાં રાખીને વર્ષ 2027 સુધીમાં કેશોદ એરપોર્ટ પર મોટા એરબસ વિમાનો સહેલાઈથી લેન્ડ થઈ શકે તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો સરકારનો મક્કમ અભિગમ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના માછીમારો, કેરીના ઉત્પાતકો અને ખેડૂતોના માલ-સામાનને ઝડપથી દેશ-વિદેશના બજારોમાં પહોંચાડવા માટે ખાસ 'કાર્ગો ફ્લાઇટ' શરૂ કરવાનું પણ આયોજન છે. આ લક્ષ્યને સમયસર પૂર્ણ કરવા માટે સિવિલ એવિએશન અને સ્થાનિક તંત્ર વચ્ચેના સંકલનને વધુ ઝડપી બનાવવા આદેશ અપાયા છે.

મનસુખલાલ માંડવિયા

ચોમાસાની આપત્તિ અને ઘેડ પંથકનું પ્લાનિંગ

તાજેતરમાં જ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદના કારણે માર્ગો, ખેતીના પાકો અને જનજીવનને થયેલા નુકસાન અંગે મંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને સતત ચોવીસ કલાક કંટ્રોલ રૂમ એક્ટિવ રાખવા અને સંભવિત આગામી ભારે વરસાદની ચેતવણીને પગલે બચાવ કામગીરી માટે સજ્જ રહેવા તાકીદ કરી છે. દર વર્ષે પૂરના પાણીની સમસ્યા ભોગવતા 'ઘેડ પંથક' માટે ખાસ એન્જિનિયરિંગ પ્લાનિંગ અને પાણીના નિકાલની ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ અધિકારીઓને ટકોર કરી હતી કે સરકારી કાગળિયાં પ્રક્રિયામાં વિલંબના કારણે સામાન્ય નાગરિક કે ધરતીપુત્ર (ખેડૂત) ને મુશ્કેલી ન પડવી જોઈએ, વહીવટ સંપૂર્ણપણે પારદર્શક અને લોકાભિમુખ હોવો જોઈએ.

આ પણ વાંચો: Mehsana: કડીનો પોલીસ કોન્સ્ટેબલ અમીન શેખ 80,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો