જૂનાગઢ જિલ્લામાંથી તહેવારોની મોસમમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કરતી એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. જૂનાગઢ-ધોરાજી રોડ પર આવેલા મિનરવા ટાયર રી ટ્રેડિંગ નામના કારખાનાને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું હતું. તહેવારના માહોલ વચ્ચે અજાણ્યા તસ્કરો આ કારખાનામાં ત્રાટક્યા હતા અને લાખો રૂપિયાનો મુદામાલ ચોરી કરીને ફરાર થઈ જતા વેપારી વર્ગમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે.

26 ટાયર, સીસીટીવી ડીવીઆર અને જીવતા કારતૂસની ચોરી

પ્રાપ્ત વિગતો અનુસાર તસ્કરોએ કારખાનામાંથી એક કે બે નહીં પરંતુ કુલ 26 જેટલા ટાયરો, કારખાનાની સુરક્ષા તપાસવા માટેના સીસીટીવી ડી.વી.આર. (DVR) તેમજ હથિયારના જીવતા કારતૂસ (કાર્ટીસ) સહિત કુલ 2.52 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. તસ્કરો પુરાવા છુપાવવા માટે સીસીટીવીનું ડીવીઆર પણ સાથે ઉઠાવી ગયા હતા, જેથી તેમની ઓળખ ન થઈ શકે.

બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસ તપાસ શરૂ

સમગ્ર ઘટના અંગે કારખાનાના માલિક દ્વારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે, કારખાનાની આસપાસના અન્ય કેમેરા કે ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો શંકાસ્પદ હાલતમાં કેદ થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. આ ચોંકાવનારી ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે બે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો