સિંહને જંગલના સૌથી ખૂંખાર અને ક્રૂર શિકારીઓમાં ગણવામાં આવે છે, જે પોતાના શિકાર પર દયા નથી દાખવતા. પરંતુ ઘણીવાર પ્રકૃતિમાં એવી અદ્ભુત ઘટનાઓ બનતી હોય છે જે સૌને આશ્ચર્યચકિત કરી દે છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો ગુજરાતના ગીરમાંથી સામે આવ્યો છે. શાસણ ગીરના જાણીતા રૂટ નંબર 13માં સિંહણના માતૃત્વના અનોખા અને દુર્લભ દર્શન થયા છે, જેને જોઈને વન્યજીવ પ્રેમીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે.
શિકાર કરવાને બદલે બચ્ચાને મોઢામાં લઈને ફરતી રહી સિંહણ
પ્રાપ્ત માહિતી અનુસાર જંગલમાં વિહરતી એક સિંહણના નજરે હરણનું એક નાનું અને માસૂમ બચ્ચું ચડ્યું હતું. સામાન્ય રીતે સિંહણ તરત જ શિકાર કરીને તેને પોતાનો ખોરાક બનાવી લેતી હોય છે, પરંતુ આ વખતે કઈંક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. સિંહણે હરણના બચ્ચાનો શિકાર કરવાના બદલે તેને અત્યંત નરમાશથી પોતાના મોઢામાં પકડ્યું અને સુરક્ષિત રીતે સાથે લઈને ફરવા લાગી. ખૂંખાર શિકારીમાં અચાનક જ માતૃત્વની ભાવના જાગી ઉઠી હોય તેમ તેણે માસૂમ બચ્ચાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડી ન હતી.
