દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં ખાસ કરીને એશિયાટિક સિંહ દર્શન માટે પ્રવાસીઓમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. વેકેશનના દિવસોમાં રાજ્યના પાંચ સફારી પાર્કમાં 80 હજારથી વધુ પ્રવાસીઓ સિંહ દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે વન વિભાગને ₹1.59 કરોડથી વધુની માતબર આવક થઈ છે.
ગીર-દેવળિયામાં 60,661 પ્રવાસીઓએ કર્યા સિંહ દર્શન
મળતી વિગતો અનુસાર, દિવાળી વેકેશનમાં સાસણ ગીર અને દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓની પ્રથમ પસંદ બન્યા હતા. એકલા ગીર-દેવળિયા સફારી પાર્કમાં જ 60,661 પ્રવાસીઓએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત જૂનાગઢના ગિરનાર, અમરેલીના આંબરડી અને દેવભૂમિ દ્વારકાના બરડા સફારી પાર્કમાં પણ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

