જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નવી કોર્ટ કમ્પાઉન્ડની બહાર જ એક યુવતીએ જાહેર રસ્તા પર ભારે હોબાળો મચાવ્યો હતો. હનીટ્રેપના કેસમાં સંડોવાયેલી આ યુવતીએ એક વકીલની કારમાં ભારે તોડફોડ કરી હતી. કોર્ટ પરિસર જેવા સંવેદનશીલ વિસ્તારની બહાર બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો અને વકીલ આલમમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ફરિયાદ પરત ન ખેંચતા યુવતી વિફરી
આ સમગ્ર વિવાદ પાછળ જૂનું કાયદાકીય કનેક્શન હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર વકીલે આ યુવતી સામે અગાઉ બ્લેકમેલિંગ અને હનીટ્રેપની ગંભીર ફરિયાદ નોંધાવેલી છે. આ કેસના સમાધાન માટે અને પોતાની સામે થયેલી ફરિયાદ વકીલ પરત ખેંચી લે તે માટે યુવતી દબાણ કરી રહી હતી. જોકે, વકીલે આ હનીટ્રેપની ફરિયાદ પરત ખેંચવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા યુવતી પોતાનો પિત્તો ગુમાવી બેસી હતી અને વિફરીને તોડફોડ પર ઉતરી આવી હતી.
