જૂનાગઢના ગિરનાર અરણ્ય વિસ્તારમાં અચાનક ખાબકેલા મુસળધાર વરસાદને પગલે જંગલના પહાડી રસ્તાઓ પર પાણીનો અતિ રૌદ્ર પ્રવાહ શરૂ થઈ ગયો હતો. ગિરનાર જંગલમાં આવેલા પ્રસિદ્ધ આત્મેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે ગયેલા 40થી વધુ ભક્તો અને પ્રવાસીઓ નદી-નાળામાં પાણીનું સ્તર અચાનક વધી જતાં ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ પંથકમાં ભારે ચિંતા અને દોડધામ મચી ગઈ હતી.
આત્મેશ્વર મહાદેવ મંદિરે જવાનો માર્ગ થયો બંધ
જૂનાગઢના ઇન્દ્રેશ્વર વિસ્તાર નજીક ગિરનારના ઘનઘોર જંગલમાં આત્મેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આજે બપોરના સમયે ગિરનાર પર ભારે વરસાદ વરસતાં જંગલના વોકળા અને નદીઓમાં ધસમસતો પાણીનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. આ કારણે મંદિરેથી પરત ફરી રહેલા 40 જેટલા શ્રદ્ધાળુઓ સામા કાંઠે જ અટવાઈ પડ્યા હતા અને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

