જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગો ખુલ્લા કરવા માટે સ્થાનિક તંત્ર દ્વારા વહેલી સવારથી જ મેગા દબાણ હટાવો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા તમામ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા દરગાહ નજીક આવેલી પડતર જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ પણ બુલડોઝર ફેરવીને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યું છે.
રેલવે સ્ટેશનથી ગાંધીચોક રસ્તો બંધ
દબાણ હટાવવાની મોટો પાયે ચાલી રહેલી ઝુંબેશ અને રસ્તા પહોળા કરવાની કામગીરીને પગલે રેલવે સ્ટેશનથી ગાંધીચોક સુધીનો મુખ્ય રસ્તો આવતીકાલથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. વાહનચાલકો અને નાગરિકોની સુવિધા માટે તંત્ર દ્વારા કોર્ટથી ચિતાખાના સુધીનો વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. આ વૈકલ્પિક માર્ગ આગામી બે માસ સુધી ચાલુ રહેશે, જેથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

