જૂનાગઢ સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર સતત પવનનું જોર વધતાં ગિરનાર રોપવે સેવા યાત્રિકો માટે બંધ કરી દેવામાં આવી છે. ગિરનાર પર્વત પર 80 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઓપરેટિંગ ટીમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોપવે કેબિનમાં સવાર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા તથા સલામતીને પ્રાથમિકતા આપીને સેવાઓ અટકાવી દેવામાં આવી છે.
છેલ્લા ચાર દિવસથી ગિરનાર પર વાતાવરણ ખરાબ
ગિરનાર પર્વત અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી હવામાનમાં ભારે પલટો આવ્યો છે. વાદળછાયા અને ખરાબ વાતાવરણ વચ્ચે પર્વત પર સતત તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉંચાઈ પર પવનની ઝડપ ખુબ જ વધારે હોવાથી રોપવેનું સંચાલન કરવું જોખમી સાબિત થઈ શકે તેમ હતું. આથી, તંત્ર અને રોપવે સંચાલકોએ સંયુક્ત રીતે નિર્ણય લઈને રોપવેનું સંચાલન અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધું છે.
