જૂનાગઢમાં ભારે વરસાદને પગલે નદી-નાળા અને જળાશયો છલકાયા છે, ત્યારે ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર યાત્રાધામ દામોદર કુંડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદને કારણે નજીકનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો, જેના પાણીના જોરદાર પ્રવાહ સાથે એક મહાકાય મગર તણાઈને સીધો દામોદર કુંડમાં આવી પહોંચ્યો હતો. યાત્રાધામના પવિત્ર પાણીમાં હિંસક વન્યજીવની હાજરીને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ભાવિકોની નજર પડતા મચ્યો હોબાળો
દામોદર કુંડ ખાતે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અસ્થિ વિસર્જન અને પવિત્ર સ્નાન અર્થે આવતા હોય છે. આ દરમિયાન કુંડના પાણીમાં અચાનક મહાકાય મગર તરતો દેખાતા સ્નાન કરી રહેલા ભાવિકો અને સ્થાનિક તીર્થ પુરોહિતોમાં ભારે નાસભાગ અને હોબાળો મચી ગયો હતો. કુંડમાં મગર હોવાની જાણ થતાં જ શ્રદ્ધાળુઓને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી લેવાયા હતા અને જાગૃત નાગરિકો દ્વારા આ અંગે વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) ને કટોકટીનો મેસેજ આપવામાં આવ્યો હતો.
