જૂનાગઢ શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જૂનાગઢના મુખ્ય માર્કેટિંગ યાર્ડ પાસે લાંબા સમયથી ધમધમતી ‘જય ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરી પર SOGની ટીમે અચાનક ઓચિંતી રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન ફેક્ટરીમાં મોટા પાયે ચાલી રહેલા નકલી અને ભેળસેળવાળા ઘીના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં અને વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.

લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત 

પોલીસ તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં તૈયાર નકલી ઘી તેમજ ઘી બનાવવા માટે વપરાતો શંકાસ્પદ રો મટીરિયલ અને કલર-એસેન્સનો જથ્થો મળી આવ્યો હતો. SOGની ટીમે અંદાજે લાખો રૂપિયાની કિંમતનો આ શંકાસ્પદ જથ્થો જપ્ત કરીને કાયદેસરની સીઝરની કાર્યવાહી હાથ ધરી છે. તહેવારોની મોસમ નજીક છે ત્યારે બજારમાં આ પ્રકારે વેચાણ માટે મોકલવામાં આવતા નકલી ઘીના જથ્થાને સમયસર પકડી પાડીને પોલીસે મોટો અનર્થ ટાળ્યો છે. હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ આ બાબતે જાણ કરીને નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

SOG raid near Junagadh's marketing yard

ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ચક્રો ગતિમાન

આરોગ્યના ભોગે આર્થિક ફાયદો કમાવતા આવા અસામાજિક તત્વો સામે પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે. ફેક્ટરીના સંચાલકો આ નકલી ઘી ક્યાં-ક્યાં સપ્લાય કરતા હતા અને આ નેટવર્કમાં કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સરાહનીય કામગીરીથી મિલાવટખોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને નાગરિકોમાં પણ કાયદો અને વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો