જૂનાગઢના ઐતિહાસિક અને પ્રખ્યાત ઉપરકોટ કિલ્લા પરિસરમાં છેલ્લા કેટલાક સમયથી ભયનો માહોલ સર્જનાર હિંસક દીપડો આખરે વહેલી સવારે પાંજરે પુરાઈ ગયો છે. દીપડાની હાજરીના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વનવિભાગ અને તંત્ર દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વહેલી સવારે દીપડો સફળતાપૂર્વક કેદ થઈ જતાં વનવિભાગ અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

દહેશત દૂર થતાં જ સહેલાણીઓની ભીડ! 

દીપડો પાંજરે પુરાયા બાદ તંત્ર દ્વારા સિક્યોરિટી એલર્ટ દૂર કરવામાં આવ્યું હતું અને કિલ્લાને પ્રવાસીઓ માટે તાત્કાલિક ધોરણે ફરી ખોલી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કિલ્લાના મુખ્ય દરવાજે સવારથી જ સહેલાણીઓની ભારે ભીડ જામી હતી. પ્રવાસીઓ માટે ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણ ઊભું થતાં લોકોએ રાહત અનુભવી હતી અને કિલ્લો જોવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી.

રજાના દિવસે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રવાસીઓને પ્રવેશ

રજાનો દિવસ હોવાથી ઉપરકોટ કિલ્લા પર પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો, જેને પગલે તંત્ર દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. વનવિભાગ અને પોલીસ ટીમે સમગ્ર પરિસરમાં સાવચેતીના ભાગરૂપે પેટ્રોલિંગ પણ જાળવી રાખ્યું હતું. ભયમુક્ત વાતાવરણ સર્જાતાં પ્રવાસીઓ પણ કોઈપણ ડર વગર ઐતિહાસિક કિલ્લાની મુલાકાતનો આનંદ માણતા નજરે પડ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો