જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી એક હૃદયદ્રાવક અહેવાલ સામે આવ્યો છે. કેશોદના મધુસુદન વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવાને આર્થિક ભીંસ અને પારિવારિક ચિંતાઓના કારણે અંતિમ પગલું ભરી લીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ધવલકુમાર રામકૃષ્ણ લશ્કરી નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આર્થિક સ્થિતિ નબળી હોવા સાથે માતાની બિમારી અને બહેનના લગ્નની હતી ચિંતા
ઘટનાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક ધવલકુમારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હતી, જેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં જીવી રહ્યા હતા. આ ઉપરાંત, તેમના પરિવારમાં માતા કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તેમની સારવાર કરાવવાની મોટી ચિંતા તેમને સતાવી રહી હતી. વળી, ઘરમાં બહેનના લગ્ન પણ નજીક આવી રહ્યા હોવા છતાં આર્થિક અછતના કારણે લગ્નની વ્યવસ્થાઓ કેવી રીતે કરવી તેની ચિંતામાં યુવાન અંદરથી તૂટી પડ્યા હતા અને આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.

