જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મનપા સંકુલમાં આવેલી લિફ્ટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાવાને કારણે તે અધવચ્ચે જ બંધ થઈ ગઈ હતી. આ સમયે લિફ્ટની અંદર પોતાના વહીવટી કામકાજ અર્થે આવેલા નિર્દોષ અરજદારો સવાર હતા. લિફ્ટ અચાનક થંભી જતાં અને દરવાજો ન ખૂલતા અંદર સવાર લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને મનપા કચેરીના સ્ટાફ સહિત હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ટેકનિશિયન ટીમે તાબડતોબ કર્યું રેસ્ક્યુ
લિફ્ટ બંધ થઈ જવાના કારણે અંદર બંધિયાર વાતાવરણમાં ફસાયેલા અરજદારોના જીવ તાળવે ચોંટ્યા હતા. લિફ્ટમાં ઓક્સિજનની અછત અને ગભરામણના લીધે લોકો ચીસાચીસ કરવા લાગ્યા હતા. ઘટનાની ગંભીરતાને સમજીને મનપાના અધિકારીઓએ તાત્કાલિક ટેકનિશિયન ટીમ અને ઇમરજન્સી સ્ટાફને સ્થળ પર બોલાવી લીધો હતો. ટેકનિશિયનોની ટીમે ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી અને અંદર ફસાયેલા તમામ લોકોને એક પછી એક સહીસલામત બહાર કાઢી લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.













