જૂનાગઢ મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યુના કારણે કરુણ મોત થયું છે. તબિયત નાદુરસ્ત હોવા છતાં ફરજ પર હાજર થયા હતા. 7 દિવસના બદલે માત્ર 2 દિવસની જ રજા આપવામાં આવી હોવાની ચર્ચા પણ સામે આવી છે. સોમવાર અને મંગળવાર રજા બાદ બુધવારે આખો દિવસ ફરજ નિભાવ્યા બાદ રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે અચાનક તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. કલ્પ અને કે.જે. હોસ્પિટલમાં સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી, પરંતુ પ્લેટલેટ કાઉન્ટમાં ઝડપથી ઘટાડો થતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન

વધુ સારવાર માટે રાજકોટ લઈ જતી વખતે જેતપુર નજીક તબિયત બગડતા તેમને ફરી જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડો. સોનાલી ઓડેદરાનું મોત થયું હતું. તબીબી ક્ષેત્રમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરના આકસ્મિક નિધનથી સાથી તબીબો અને કોલેજ પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

બાળકીએ માતા ગુમાવી, પરિવારમાં ઘેરો શોક

ડો. સોનાલી ઓડેદરા એનેસ્થેસિયા વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા અને તેમના પતિ પણ ઓર્થોપેડિક સર્જન છે. આ કરુણ ઘટનાને કારણે 3 વર્ષની બાળકીના માથેથી માતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ડેન્ગ્યુની સારવાર અને રજાની ચર્ચા વચ્ચે બનેલી આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો