જૂનાગઢ પંથકમાં હવે સિંહ અને દીપડા જ નહીં પરંતુ કપીરાજો અને ભૂંડના આતંકે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે.ભેસાણ તાલુકાના છોડવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બહારથી આવેલા વાનરના ટોળાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને ખેતી કરવી મુશ્કેલ બનાવી દીધી છે. છેલ્લા દોઢથી બે વર્ષથી આ કપીરાજોનો ત્રાસ સતત વધી રહ્યો છે જેના કારણે ખેડૂતો પાયમાલીના આરે આવી ગયા છે.
કપીરાજોના મોટા ટોળા ઉમટી પડ્યા
ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં કપિલ રાજનું ટોળું આવી ચડ્યું છે અને છેલ્લા એકાદ માસથી આતંક ફેલાવી રહ્યું છે.ખેડૂતોની વેદના એવી છે કે કપીરાજોએ માત્ર ખેતરોમાં જ નહીં પરંતુ ગામની અંદર પણ ધાબા અને સોલાર પાઈપોને નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે ગ્રામજનોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ વાંદરાઓ અહીંના સ્થાનિક નથી પરંતુ બહારથી અચાનક ટોળે ટોળા ઉમટી પડ્યા છે જેણે ખેડૂતોની જીવાદોરી સમાન બગીચાઓ અને પાકનો નાશ કર્યો છે.આ વિસ્તારમાં સિંહ અને દીપડાના ત્રાસ ઉપરાંત અચાનક પોપટો અને કપીરાજોના મોટા ટોળા ઉમટી પડ્યા છે.
બાગાયતી પાકનો સફાયો બોલાવી દેવાયો
છોડવડી ગામના એક જ ખેડૂતને પાંચથી સાત વીઘાના સીતાફળના બગીચા અને ત્રણ-ચાર વીઘામાં વાવેલી મગફળીમાં ચારથી પાંચ લાખ રૂપિયાનું માતબર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને આખો બગીચો નેસ્તનાબૂદ થવાની અણી પર છે. આ જ ગામના ખેડૂતની અંદાજે સાડા ત્રણ વીઘાની મગફળી અને સીતાફળ, ચીકુ, જામફળ તેમજ પપૈયા સહિતના બાગાયતી પાકનો સફાયો બોલાવી દેવાયો છે જેના કારણે તેમને સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને આ આતંક છેલ્લા એક મહિનાથી વરવી રીતે ચાલી રહ્યો છે.
ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર
સરકાર ભલે ખેતીને પ્રાધાન્ય આપવાની મોટી મોટી વાતો કરતી હોય પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં ખેડૂતો સહન ન કરી શકે તેવું નુકસાન ભોગવી રહ્યા છે અને ખેતી ભાંગી રહી છે. વન વિભાગ દ્વારા અગાઉ પાંજરા મૂકીને પાંચ વાંદરાઓ પકડવાની કારવાઈ કરવામાં આવી છે પરંતુ થોડા જ દિવસોમાં પરિસ્થિતિ ફરી જૈસે થે થઈ જાય છે અને ખેડૂતો બેફામ ત્રાસ ભોગવવા મજબૂર બને છે.ત્યારે ખેડૂતોનો સ્પષ્ટ સવાલ એ છે કે જો આ કપીરાજો બહારથી આવ્યા છે તો ક્યારે અને કેવી રીતે આવ્યા તેની ઊંડાણપૂર્વક તપાસ કરીને વન વિભાગ કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે અન્યથા ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે.
આ પણ વાંચોઃ