જૂનાગઢની જાણીતી નોબલ યુનિવર્સિટી સંચાલિત નોબલ આયુર્વેદિક કોલેજ સામે વહીવટી તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. નિયમો અને માપદંડોની ખામીઓને પગલે નોબલ આયુર્વેદિક કોલેજનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય સાથે જ શૈક્ષણિક સત્ર 2026-27 માટે કોલેજની 100 બેઠકોની પ્રવેશ ક્ષમતાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવાયો છે.
નોબલ આયુર્વેદિક કોલેજ સામે મોટી કાર્યવાહી
આયુર્વેદિક શિક્ષણના ધોરણો અને જરૂરી માળખાકીય સુવિધાઓમાં ક્ષતિઓ સામે આવ્યા બાદ આ કડક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. લાયસન્સ રદ થવાના કારણે આગામી શૈક્ષણિક વર્ષમાં આ કોલેજમાં નવી પ્રવેશ પ્રક્રિયા થઈ શકશે નહીં. આયુર્વેદિક મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ એક મહત્વનું કેન્દ્ર ગણાતી હતી. પરંતુ 2026-27 ના શૈક્ષણિક વર્ષમાં 100 બેઠકો પર ગ્રહણ લાગતાં નોબલ યુનિવર્સિટી મેનેજમેન્ટને મોટો આર્થિક અને વહીવટી ફટકો પડ્યો છે.
