જૂનાગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડાના કેસમાં પોલીસ વિભાગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નિષ્ક્રિય કામગીરી અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એફ. બી. ગગનીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DG) દ્વારા આ સસ્પેન્શનનો આદેશ કરવામાં આવ્યો છે, જેના કારણે પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.

દોઢ મહિના પહેલા ઉમરાળી ફાર્મહાઉસમાંથી ઝડપાયો હતો કરોડોનો દારૂ

આ કાર્યવાહી લગભગ દોઢ મહિના પહેલા SMC દ્વારા જૂનાગઢ વિસ્તારમાં કરવામાં આવેલા એક મોટા દરોડાના પગલે કરવામાં આવી છે. SMCની ટીમે ઉમરાળી ફાર્મહાઉસ પર રેડ પાડીને ત્યાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા 1.53 કરોડનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નિષ્ક્રિય કામગીરી અને લાપરવાહી સામે ઉચ્ચસ્તરીય તપાસ અને સજા

ઉમરાળી ફાર્મહાઉસ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો વેપાર ચાલતો હોવા છતાં સ્થાનિક સ્તરે કોઈ જ નક્કર કાર્યવાહી ન થવાને કારણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. પોલીસ વડા (DG) દ્વારા સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરી શંકાસ્પદ અને નિષ્ક્રિય જણાતા તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: Junagadhમાં બુટલેગરો બેફામ! પોલીસને બાતમી આપ્યાની શંકાએ હથિયારો સાથે ફરિયાદીના ઘરમાં ઘૂસી કરી તોડફોડ