ગુજરાતમાં સિંહની પજવણીના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ગેરકાયદે સિંહ દર્શન અંગેના પણ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે હવે જૂનાગઢમાં સક્કરબાગ ઝૂમાં વન્ય જીવોની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. વાઘના પાંજરામાં કપડું નાંખીને પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. વન્ય જીવોની સુરક્ષાને લઈને તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયાં છે. સુરક્ષા તંત્રએ વાયરલ વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને વાઘની પજવણી કરનારા બે શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે.  

રાજકોટના બે શખ્સોને તંત્ર દ્વારા ઝડપી લેવાયા

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કપડૂ નાંખીને વાઘની પજવણી કરનારા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. રાજકોટના બોડી ઘોડીના શખ્સોની આ પજવણીમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. દેવાભાઈ અને બાબુલાલ શિરોડીયાની ધરપકડ કરવામાં આવી છે. સક્કરબાગ ઝૂની ટીમે સીસીટીવી અને વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વન્યજીવોની સુરક્ષા અને તંત્રની બેદરકારી દર્શાવતો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પહેલા પણ આવા કિસ્સા સામે આવ્યા છે

આ વાયરલ વીડિયોમાં કેટલાક પ્રવાસીઓ દ્વારા ખુલ્લેઆમ વાઘને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,સક્કરબાગ ઝૂની મુલાકાતે આવેલા કેટલાક પ્રવાસીઓ દ્વારા વાઘના પિંજરામાં કપડું ફેંકવામાં આવ્યું હતું.આ કપડું ફેંકીને પ્રવાસીઓ વાઘને હેરાનગતિ પહોંચાડી રહ્યા હતા અને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.સક્કરબાગ ઝૂમાં વન્યજીવોની પજવણીની આ કોઈ પ્રથમ ઘટના નથી.અગાઉ પણ પ્રવાસીઓ દ્વારા અહીં અબોલ વન્ય પ્રાણીઓને હેરાન કરવામાં આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ