જૂનાગઢ શહેરના વણઝારી વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સરકારી નિયમો અને મર્યાદાના લીરેલીરા ઉડાડતો બનાવ સામે આવ્યો છે. શાળાના સંકુલમાં શિક્ષણ વિભાગ કે ઉચ્ચ અધિકારીઓની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર જ ગેરકાયદેસર રીતે ઉર્ષના પ્રસંગ માટે મોટા પાયે રસોઈ બનાવવાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

સરકારી શાળાના પરિસરમાં ઉર્ષની રસોઈ બનતા રોષ

શાળા જેવા પવિત્ર અને સરકારી સંકુલમાં આ પ્રકારે બિનઅધિકૃત પ્રવૃત્તિ થઈ રહી હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક નાગરિકો અને રહેવાસીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ભારે વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકોના ભારે આક્રોશને કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી અને વિવાદનો માહોલ સર્જાયો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) પોતાની ટીમ સાથે તાબડતોબ વણઝારી પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી તુરંત જ શાળા પરિસરમાં ચાલી રહેલી રસોઈ બંધ કરાવીને આખું સંકુલ ખાલી કરાવ્યું હતું.

આચાર્ય સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહીની તૈયારી

પ્રાથમિક તપાસમાં શાળાના આચાર્યની ગંભીર બેદરકારી અને મંજૂરી વગર સરકારી મિલકતનો ઉપયોગ કરવા દેવાની સંડોવણી સામે આવી છે. DEO એ સ્થળ પર પહોંચી ગેરકાયદેસર રીતે રસોઈ બનાવતા લોકોને બહાર તારવી શાળા પરિસર ખાલી કરાવ્યું. કોઈ પણ પરવાનગી વગર શાળાનો ઉપયોગ કરવા દેવા બદલ આચાર્ય સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જવાબદાર આચાર્ય સામે કડક શિક્ષાત્મક અને શિસ્તભંગના કાયદાકીય પગલાં ભરવાની નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો: Gir Somnath: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું