મહેસાણા જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા કડી શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં પાંગરેલા અનૈતિક દેહવ્યાપારના નેટવર્ક પર કડી પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. કડી પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કડી-છત્રાલ હાઇવે રોડ પર આવેલા કેટલાક મસાજ પાર્લરોમાં ગ્રાહકોને આકર્ષવા માટે બહારના રાજ્યોની અને વિદેશથી યુવતીઓ લાવીને સ્પા સર્વિસના નામે દેહવ્યાપારનો મસમોટો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પંચો અને ડમી ગ્રાહક તૈયાર કરીને પોલીસે વ્યૂહાત્મક રીતે પ્લાન ઘડ્યો હતો.


[[$googlead]]

મસાજ પાર્લરની આડમાં અનૈતિક દેહવ્યાપાર

પોલીસની ટીમે એક સાથે કડી-છત્રાલ રોડ પર ધમધમતા 'DAN SPA 2' અને 'THE TAJ SPA AND BEAUTY' માં દરોડા પાડ્યા હતા. પોલીસના ડમી ગ્રાહકે ઈશારો કરતા જ બહાર ઉભેલી ટીમે બંને સ્પાને ચારેય તરફથી ઘેરી લીધા હતા. દરોડા દરમિયાન બંને સ્પા સેન્ટરોના અંદરના ગુપ્ત રૂમમાંથી વિદેશી તેમજ અન્ય રાજ્યોની યુવતીઓ મળી આવી હતી, જેમને આર્થિક લાલચ અથવા મજબૂરીનો લાભ ઉઠાવી આ અનૈતિક ધંધામાં ધકેલવામાં આવી હતી. સ્થળ પરથી પોલીસે રેકેટ ચલાવતા 4 મુખ્ય ઓપરેટરો, જેમાં સ્પાના માલિકો, સંચાલકો અને મેનેજર સામેલ છે, તેમને કસ્ટડીમાં લઈ લીધા છે.

વાંધાજનક સામગ્રી અને દારૂનો જથ્થો જપ્ત

પોલીસે જ્યારે સ્પા સેન્ટરોની તલાશી લીધી ત્યારે ઓફિસ અને રૂમમાંથી ગ્રાહકો પાસેથી ઉઘરાવેલી મોટી રકમની રોકડ, આરોપીઓના સ્માર્ટફોન (જેનાથી તેઓ ગ્રાહકો સાથે ડીલ કરતા હતા) અને મોટા પ્રમાણમાં વાંધાજનક સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત, સ્પાની અંદર ગ્રાહકો અને સંચાલકો માટે રાખવામાં આવેલી પ્રતિબંધિત વિદેશી દારૂની બોટલો પણ પોલીસે જપ્ત કરી છે.

[[$alsoread]]

 સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો

કડી પોલીસ મથકે આ મામલાને ગંભીરતાથી લઈને માનવ તસ્કરી અને ગેરકાયદેસર દેહવ્યાપાર નિવારણ કાયદા એટલે કે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ (PITA) તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વિદેશી યુવતીઓને કયા એજન્ટ મારફતે કડી લાવવામાં આવી હતી અને તેમના વિઝા સ્ટેટસ શું છે. આ રેડ બાદ પંથકના અન્ય સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Gandhidham: વિધર્મી પતિએ પત્નીને બેરહેમીપૂર્વક ઢોર માર મારી નીપજાવી હત્યા, પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • Follow us on: