કલોલ તાલુકાના દંતાલી ગામમાંથી ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ગેસ રિફિલિંગની ફેક્ટરી પર પોલીસે દરોડો પાડીને એક મોટો પર્દાફાશ કર્યો છે. કોઈપણ પ્રકારની સત્તાવાર પરવાનગી કે સુરક્ષાના પાયાના સાધનો વગર ધમધમતી આ ફેક્ટરી અંગે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દંતાલી સ્થિત સ્થળ પર દરોડો પાડીને ગેરકાયદે પ્રવૃત્તિ રંગેહાથ ઝડપી પાડી હતી. માનવ જિંદગીને જોખમમાં મૂકીને ચાલી રહેલા આ કાળા કારોબાર પર પોલીસની કડક કાર્યવાહીથી ગેરકાયદે ધંધો કરતા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.
ઈલેક્ટ્રીક મોટર વડે જોખમી રિફિલિંગ અને મુદ્દામાલ જપ્ત
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફેક્ટરીમાં રાંધણ ગેસના મોટા સિલિન્ડરોમાંથી ઈલેક્ટ્રીક મોટરનો ઉપયોગ કરીને અત્યંત જોખમી અને ઘાતક રીતે નાની ગેસ બોટલોમાં રિફિલિંગ કરવામાં આવતું હતું. સુરક્ષાના કોઈ નિયમોનું પાલન કર્યા વગર આચરવામાં આવતી આ પ્રવૃત્તિથી ગંભીર દુર્ઘટના સર્જાવાનો મોટો ભય રહેલો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી નાના-મોટા કૂલ 258 ગેસ સિલિન્ડર, રિફિલિંગ માટે વપરાતી મોટરો તેમજ વાહનો મળીને કુલ રૂપિયા 12.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
