ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા બોરીસણા ગામે પ્રેમપ્રકરણ અને મોબાઈલ ફોનને મુદ્દે સર્જાયેલી જૂની માથાકૂટમાં એક યુવકની કરપીણ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની વિગત મુજબ ગામના રાકેશ ઉર્ફે લાલાજી નામના યુવકનો મોબાઈલ ફોન એક સગીરા પાસેથી મળી આવ્યો હતો. આ ફોન પરત લેવા માટે રાકેશ અમરતબેન નામના મહિલાના ઘરે ગયો હતો, જ્યાં મોબાઈલ પરત આપવા બાબતે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી.
પેટના ભાગે છરીના ઘા ઝીંકી યુવકને ઉતાર્યો મોતને ઘાટ
તકરાર દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા પરિવારજનો અને હુમલાખોરોએ ભેગા મળીને રાકેશ પર તીક્ષ્ણ હથિયારો વડે હિચકારો હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન આરોપીઓએ રાકેશને પેટના ભાગે છરીના ઊંડા ઘા ઝીંકી દેતાં તે રક્તરંજિત થઈ ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રાકેશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
