ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા મોટી ભોયણ ગામમાં ગાયોના તબેલાની આડમાં ધમધમતા ગેરકાયદેસર ગેસ રીફિલિંગના કૌભાંડનો ગાંધીનગર CID ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડતાં માલૂમ પડ્યું હતું કે, અહીં સરકારી સબસિડી વાળા અને કોમર્શિયલ રાંધણ ગેસના મોટા સિલિન્ડરમાંથી ગેરકાયદેસર અને જોખમી રીતે નાના ગેસના બાટલાઓમાં રીફિલિંગ કરવામાં આવતું હતું.
ગેરકાયદેસર ગેસ રીફિલિંગના કૌભાંડ
https://twitter.com/sandeshnews/status/2091145732812386335
તબેલાની આડમાંગેસ રીફિલિંગ પર દરોડો
CID ક્રાઇમની ટીમે સ્થળ પરથી 1 ઈસમની અટકાયત કરી છે. પોલીસે દરોડા દરમિયાન અલગ-અલગ કંપનીના કુલ 151 ગેસ સિલિન્ડર તેમજ ગ્રાહકોને છેતરવા માટે વાપરવામાં આવતા બોગસ/ડુપ્લીકેટ સીલ અને સ્ટીકરો કબ્જે કર્યા છે. કુલ રૂ. 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન વિતરણ માટે જાણીતી બ્રાન્ડ્સના મોટી સંખ્યામાં બાટલા મળી આવ્યા છે. જેમાં એચપી (HP) ના 61, ઇન્ડિયનના 49, અર્થ ગેસના 30 અને ભારત ગેસના 11 સિલિન્ડરનો સમાવેશ થાય છે.
પુરવઠા વિભાગ અને ગેસ એજન્સીઓની મિલીભગતની શંકા
એક તરફ સામાન્ય નાગરિકોને રાંધણ ગેસનો એક બાટલો મેળવવા માટે એજન્સીઓના ધક્કા ખાવા પડે છે અને એજન્સી સંચાલકો બાટલા આપવામાં આનાકાની કરે છે.કૌભાંડીઓ પાસે સરકારી સબસિડી વાળા અને વિવિધ કંપનીના આટલી મોટી સંખ્યામાં સિલિન્ડરો ક્યાંથી આવ્યા તે મોટો કોયડો છે. સ્થાનિક સ્તરે પુરવઠા ખાતાના અધિકારીઓ અને ગેસ એજન્સીના સંચાલકોની રહેમનજર અને મિલીભગત વગર આટલું મોટું કૌભાંડ શક્ય ન હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો: Aravalli: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર 8 મહિનામાં 28 કરોડનો દારૂ ઝડપાયો, છેલ્લા 3 દિવસમાં 38 આરોપીઓને દબોચાયા