ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કલોલ નજીક આવેલા ધમાસણા ગામ પાસે ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) ના જીજીએસ (GGS - ગેધરિંગ સ્ટેશન) માં વહેલી સવારે અચાનક જ ભીષણ આગ ભબકી ઊઠી હતી. ઓઈલ અને ગેસ પ્રોસેસિંગ યુનિટમાં એકાએક આગ લાગતાં જ પ્લાન્ટમાં હાજર કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ફેલાયા
સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભયાનક આગના કારણે સમગ્ર વિસ્તારમાં અને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ધુમાડાના ગૂંચળા કિલોમીટરો દૂર દૂર સુધી સ્પષ્ટપણે જોઈ શકાતા હતા, જેના કારણે આસપાસના ગામડાઓના રહીશોમાં પણ ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો.
