ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટી ઉપજાવતી ઘટના સામે આવી છે. કપડવંજના સોરણા નજીક આવેલા નવામુવાડા ગામ પાસે બાઈક પર જઈ રહેલા એક દંપતીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પતિ અને પત્ની બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
રાકેશભાઈ પરમાર અને પત્ની તોરલબેનનો જીવ ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર ભેજલી તાબે આવેલા અલવા ગામના રહેવાસી 33 વર્ષીય રાકેશભાઈ પરમાર અને તેમની 28 વર્ષીય પત્ની તોરલબેન કોઈ કામસર બાઈક લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન સોરણા નજીક નવામુવાડા ગામ પાસે અચાનક બાઈકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના કમનસીબ પ્રાણ છૂટી ગયા હતા.
