વડોદરા જિલ્લાના કરજણ સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ અને સત્તા માટેનો અસંતોષ ફરી એકવાર ચગડોળે ચડ્યો છે. કરજણ નગરપાલિકાની સત્તા પલટાવવા માટે શાસક પક્ષના જ ચૂંટાયેલા સભ્યો એકઠા થઈને સંઘપ્રદેશ દમણ પહોંચી ગયા હોવાનો અત્યંત સનસનાટીભર્યો અને સ્ફોટક ખુલાસો કરજણ તાલુકા ભાજપ પ્રમુખ બિરેન પટેલે સોશિયલ મીડિયા પર કરતાં સમગ્ર જિલ્લા અને પ્રદેશ ભાજપ સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.
ફેસબુક પર પોસ્ટ મૂકી સંગઠન સામે ખુલ્લો મોરચો માંડ્યો
કરજણ તાલુકા ભાજપ પ્રમુખ બિરેન પટેલે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર એક આક્રમક પોસ્ટ શેર કરીને પક્ષના જ અસંતુષ્ટ જૂથ સામે સીધો પ્રહાર કર્યો હતો. તેમણે ઘટસ્ફોટ કર્યો હતો કે, કરજણ નગરપાલિકાનું વર્તમાન શાસન ઉથલાવી પાડવાના ઈરાદે સભ્યો દમણ ખાતે અડિંગો જમાવીને બેસી ગયા છે.આ પોસ્ટમાં બિરેન પટેલે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો હતો કે, આ સભ્યો ભારતીય જનતા પાર્ટીને સીધું નુકસાન પહોંચાડવા અને સંગઠનને નીચું જોવડાવવા માટે જ દમણ ગયા છે.
"તાકાત હોય તો રોકી લો..." નેતૃત્વને ખુલ્લો પડકાર ફેંક્યો
બિરેન પટેલે પોતાની પોસ્ટમાં પક્ષના મોવડીમંડળ અને સ્થાનિક નેતાઓને સંબોધીને અત્યંત આકરા તેવરમાં ચેલેન્જ ફેંકી હતી કે, "જો રોકવાની તાકાત હોય તો આ સભ્યોને રોકી લો, બાકી ભારતીય જનતા પાર્ટીની ભારે બદનામી થશે."પોતાના જ પક્ષના તાલુકા પ્રમુખ દ્વારા આ પ્રકારની ભાષામાં બળાપો કાઢવામાં આવતાં કરજણથી લઈને ગાંધીનગર સુધીના રાજકીય વર્તુળો સ્તબ્ધ થઈ ગયા હતા. કરજણ પાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ આ પોસ્ટ થકી જગજાહેર થઈ ગઈ હતી.
દબાણ વધતાં ગણતરીના કલાકોમાં પોસ્ટ ડિલીટ કરી
તાલુકા ભાજપ પ્રમુખની આ વિસ્ફોટક પોસ્ટ વાયરલ થતાં જ વિપક્ષને બેઠા બેઠા મોટો મુદ્દો મળી ગયો હતો અને પક્ષની છબી ખરડાવા લાગી હતી. આંતરિક વિખવાદની ગંભીર નોંધ લઈને જિલ્લા ભાજપ સંગઠન અને પ્રદેશ સ્તરેથી દબાણ આવતાં અંતે બિરેન પટેલને પોતાની ફેસબુક પોસ્ટ ડિલીટ કરવાની ફરજ પડી હતી.જોકે, પોસ્ટ ડિલીટ થઈ ગઈ હોવા છતાં તેના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કરજણ નગરપાલિકામાં ખરેખર કોઈ મોટો ઉલટફેર થવાનો છે કે કેમ અને દમણ ગયેલા સભ્યો સામે ભાજપ સંગઠન શું શિસ્તભંગના પગલાં લે છે, તેના પર હવે સમગ્ર પંથકની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો: Surat: ઓલપાડના મંજુલાબેન પટેલ મૃત્યુ પામીને પણ અમર બન્યા; હાર્ટ, લિવર, કિડની સહિત 5 અંગોનું દાન કરી પરિવારે જ્યોત પ્રગટાવી