સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં આવેલી નવા ચાંપલપુર વસાહતમાં એક બંધ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ગંભીર ઘટના સામે આવી છે. મકાનમાંથી અચાનક જ કાળા ધુમાડાના ગોટેગોટા અને આકાશને આંબતી આગની જ્વાળાઓ નીકળતી જોઈને આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. બંધ મકાનમાં આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના રહીશો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

ફાયર બ્રિગેડની કામગીરીથી આગ કાબુમાં આવી

ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ફાઈટરની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને સઘન કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે આગ વધુ વિકરાળ બને તે પહેલા જ કાબુમાં આવી ગઈ હતી, જેના લીધે આજુબાજુમાં આવેલા અન્ય મકાનો સુધી આગ ફેલાતી અટકી ગઈ હતી અને મોટી દૂર્ઘટના ટળી હતી.

ઘરવખરી ખાખ પણ જાનહાનિ ટળી

આ ભીષણ આગની ઘટનામાં મકાનની અંદર રહેલો તમામ સામાન અને ઘરવખરી બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે, જેના કારણે મકાનમાલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, બનાવ સમયે મકાન બંધ હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી સ્થાનિકો અને પાલિકા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. બંધ મકાનમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો