ખેડા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા કનેરા ગામ નજીકથી એક મોટી અને ચિંતાજનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં હાઇવે કિનારે ધમધમતી 'આશન એન્ટરપ્રાઇઝ' નામની એક પ્રખ્યાત પ્લાયવુડ ફેક્ટરીમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીની અંદર પ્લાયવુડની સીટો અને સુકાયેલા લાકડાનો મસમોટો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના કાળાડિબાંગ ગોટેગોટા ઉડતા દેખાયા હતા, જેને પગલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
3 જિલ્લાની ફાયર ટીમોએ ભારે જહેમત બાદ આગ ઠારી
આગની આ ભયાનક હોનારત અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ 4 મોટા વોટર બાઉઝર સાથે તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ વધુ વિકરાળ બનતાં વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક ખેડા અને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમોને પણ મદદ માટે બોલાવી લેવાઈ હતી. ત્રણેય જિલ્લાની ફાયર ટીમોના જવાનોએ ભારે જોખમ વચ્ચે સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને ફેક્ટરીમાં લાગેલી આ ભીષણ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો.
