ખેડામાં મહીસાગર નદીના કુદરતી વહેણ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.નદીના પાણીના પ્રવાહને રોકી તેમાં મોટા પાઇપ મૂકી કામચલાઉ બ્રિજ બનાવી દેવાયો હોવાનો આક્ષેપ છે.આ ગેરકાયદે બ્રિજ મારફતે કરોડો રૂપિયાનું ખનીજ પરિવહન થતું હોવાની ફરિયાદ સાથે જવાબદારો સામે કડક તપાસ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.સરકારી તંત્રની આવી નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.નદીનું વહેણ રોકી કરોડોની ખનીજ ચોરી કરનારા અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા તમામ જવાબદારો સામે તાત્કાલિક કડક તપાસ કરી કાયદેસરનાં પગલાં ભરવાની માંગ ઉઠી છે.
કામચલાઉ બ્રિજનું નિર્માણ કરી દેવામાં આવ્યું
મળતી વિગતો અનુસાર, ખેડા જિલ્લામાંથી વહેતી પવિત્ર મહીસાગર નદીના કુદરતી પ્રવાહ સાથે ભારે છેડછાડ કરવામાં આવી રહી છે.નદીના પટમાં પાણીના કુદરતી વહેણને અવરોધીને ત્યાં એક ગેરકાયદેસર અને કામચલાઉ બ્રિજનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે.આ સમગ્ર કામગીરીમાં પાણીની અંદર મોટા પાઇપો ઉતારી દેવામાં આવ્યા છે અને તેના ઉપર માટી તેમજ પથ્થરો નાખીને મજબૂત રસ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક સ્તરેથી કરવામાં આવ્યો છે.આ હંગામી પુલનો મુખ્ય ઉદ્દેશ્ય નદીમાંથી ગેરકાયદે ખનીજ ચોરી કરવાનો હોવાનું બહાર આવ્યું છે.આ બ્રિજ પરથી દિવસ-રાત વાહનો દોડાવીને કરોડો રૂપિયાની કિંમતનું ખનીજ પરિવહન કરવામાં આવી રહ્યું છે.
