હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતા પુરૂષોત્તમ માસની પૂર્ણાહુતિ આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું છે. ડાકોર આજે 'જય રણછોડ, માખણચોર'ના નારાઓથી ગુંજી ઉઠ્યું છે. કાળઝાળ ગરમી પર ભક્તોનો ભગવાન પ્રત્યેનો પ્રેમ ભારે પડતો જોવા મળી રહ્યો છે.


43 ડિગ્રી ગરમી વચ્ચે પણ આસ્થા અડીખમ, 2 કિમી લાંબી લાઈનો

હાલ રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે અને ડાકોરમાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે. જોકે, આ ભીષણ ગરમી પણ ભક્તોની અડગ આસ્થાને ડગાવી શકી નથી. કાળિયા ઠાકોરની એક ઝલક મેળવવા માટે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ભાવિકો ડાકોર પહોંચી ચૂક્યા છે. મંદિર પરિસરની બહાર બે કિલોમીટર લાંબી દર્શનની લાઈનો જોવા મળી રહી છે, છતાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી.

પ્રભુને સોનાના આભૂષણો અને ચંદનનો લેપ

પુરૂષોત્તમ માસના અંતિમ દિવસો નિમિત્તે ભગવાન રણછોડરાયનો અત્યંત દિવ્ય અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો છે. કાળિયા ઠાકોરને સોનાના કિંમતી અને ભવ્ય આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભીષણ ગરમીથી પ્રભુને રાહત આપવા માટે ખાસ શીતળ ચંદનનો વિશેષ લેપ કરીને અદ્ભુત શણગાર કરાયો છે, જેના દર્શન કરી ધન્યતા અનુભવવા ભક્તો વ્યાકુળ બન્યા છે. પવિત્ર મહિનાના અંતે ઠાકોરજીના દર્શન કરી અદભુત પુણ્ય ભાથું બાંધવા માટે સમગ્ર ગુજરાતમાંથી માનવમહેરામણ હિલોળે ચડ્યું છે.


આ પણ વાંચો - Kheda: ડાકોર રણછોડરાય મંદિરે તુલસી વિવાહ યોજાયો


  • Follow us on: