ખેડા જિલ્લામાં માસૂમ બાળકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા ખતરનાક એવા ચાંદીપુરા (ચાંદીપુરમ) વાયરસનો પ્રથમ કેસ સત્તાવાર રીતે નોંધાતા ભારે હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ, આ ચિંતાજનક કેસ કપડવંજ તાલુકાના સાલોડ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા સીમ વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં માત્ર 1 વર્ષનું એક માસૂમ બાળક આ વાયરસનો ભોગ બન્યું છે. બાળકની તબિયત લથડતાં તેને સૌપ્રથમ કપડવંજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, પરંતુ સ્થિતિ વધુ ગંભીર જણાતાં તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.

અધિકારીની બદલી થતાં જ દબાયેલી હકીકતો બહાર આવી

આ કેસ પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની કાગળ પર ચાલતી કામગીરીની પોલ ખુલી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉના અધિકારી વી. એસ. ધ્રુવેની બદલી થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા દબાવી રાખવામાં આવેલી આ ગંભીર હકીકતો અને કેસની વિગતો સપાટી પર આવી છે. વાયરસની એન્ટ્રી થતાં જ હવે ઊંઘતું ઝડપાયેલું આરોગ્ય તંત્ર સફાળું જાગીને દોડતું થયું છે. સાલોડ ગામમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આવતીકાલ સવારથી જ આરોગ્ય ટીમો દ્વારા યુદ્ધના ધોરણે ખાસ સર્વે અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવશે.

ઇન્ચાર્જ CDHO સામે એક મોટો પડકાર

ખેડા જિલ્લાના ઇન્ચાર્જ સીડીએચઓ શાલિની ભાટિયા સામે આ વાયરસના સંક્રમણને અટકાવવાનો પડકાર આવીને ઊભો રહ્યો છે. ખેડાની સાથે મહીસાગર અને સાબરકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. કાગળ પરની કાર્યવાહી બતાવીને સંતોષ માનતા અધિકારીઓની નીતિ વચ્ચે, આ ભયાનક સ્થિતિને પહોંચી વળવા માટે ખેડા જિલ્લામાં તાત્કાલિક ધોરણે કોઈ સક્ષમ અને કાયમી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની નિમણૂંક કરવામાં આવે તેવી લોકમુખે પ્રબળ માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો