ખેડા જિલ્લાના એસપી (સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ) વિજયભાઈ પટેલના નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક નકલી (ફેક) એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ગુના આચરતા તત્વો દ્વારા એસપીના સત્તાવાર નામ, હોદ્દા અને ફોટોગ્રાફ્સનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરીને આ આઈડી તૈયાર કરવામાં આવ્યું છે. આ ફેક એકાઉન્ટના સ્ક્રીનશોટ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર અને નાગરિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. 

પોલીસ કર્મચારીઓ અને સામાન્ય લોકોને મોકલાઈ રિક્વેસ્ટ

શાતિર સાયબર તત્વો દ્વારા આ ફેક ફેસબુક એકાઉન્ટ મારફતે જિલ્લાના વિવિધ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તેમજ સામાન્ય નાગરિકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી રહી છે. સામાન્ય રીતે આવા બોગસ એકાઉન્ટ બનાવીને આગળ જતાં મેસેન્જર મારફતે પૈસાની માગણી કે અન્ય સાયબર ફ્રોડ આચરવાની આશંકા રહેલી હોય છે. પોલીસ તંત્રના વડાના જ નામે આવું આઈડી બનતાં સાયબર ક્રાઈમ સેલ તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને એકાઉન્ટ બનાવનાર તત્વોને શોધી કાઢવા તપાસ તેજ કરી છે. 

ફેક એકાઉન્ટથી સાવધાન રહેવા અપીલ

આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ખેડા જિલ્લા પોલીસ અને એસપી દ્વારા નાગરિકોને ખાસ સાવધાન રહેવા માટે ઉગ્ર અપીલ કરવામાં આવી છે. એસપીના નામે આવેલી કોઈ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં તેમજ આવા કોઈ પણ શંકાસ્પદ એકાઉન્ટમાંથી પૈસા કે અન્ય મદદ અંગેના મેસેજ આવે તો તેનાથી સાવચેત રહેવા જણાવાયું છે. આવી કોઈ પણ પ્રવૃત્તિ જણાતાં તુરંત જ સાયબર હેલ્પલાઈન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો